કોરોનાની રસી નાકમાંથી કેવી રીતે લેશો?:જાણો આ વેક્સિન બાકીની વેક્સિનથી કેટલી અલગ હશે? બૂસ્ટર ડોઝ તરીકે કામ કરશે, આજથી જ હોસ્પિટલમાં મળશે આ રસી

કોરોનાની રસી નાકમાંથી કેવી રીતે લેશો?:

 

ભારત સરકારે ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મંજૂરી આપી દીધી છે અને તેનો ઉપયોગ આજથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ રસીની માહિતી કોવિન એપ પર પર ઉપલ્બધ કરાવવામાં આવી છે. આ નેઝલ વેક્સિનનો ઉપયોગ કેવી રીતે કરાય? ક્યારે લેવાય? કેટલીવાર લેવાય? આ તમામ સવાલોના જવાબ તમને અહીં મળી જશે.

નેઝલ વેક્સિન શું હોય છે?
હાલ આપણને સ્નાયુમાં ઈન્જેક્શન દ્વારા વેક્સિન લગાવવામાં આવે છે. આ વેક્સિનને ઈન્ટ્રામસ્ક્યુલર વેક્સિન કહે છે. નેઝલ વેક્સિન એ હોય છે જેને નાક દ્વારા આપવામાં આવે છે. તેને ઈન્ટ્રાનેઝલ વેક્સિન કહેવામાં આવે છે. એટલે કે તેને ઈન્જેક્શનથી આપવાની જરૂર નથી અને ન તો ઓરલ વેક્સિનની જેમ પીવડાવવામાં આવે છે. આ એક રીતે નેઝલ સ્પ્રે જેવી છે.

 


 

અત્યાર સુધી ટ્રાયલના પરિણામો શું કહે છે?
વેક્સિનના પ્રથમ ફેઝના ટ્રાયલના પરિણામો સારા રહ્યા છે. કોઈપણ વોલિન્ટિયરને નેઝલ વેક્સિન આપ્યા પછી કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ થઈ નથી. ક્લિનિકલ ટ્રાયલ્સ રજિસ્ટ્રીના અનુસાર ચાર શહેરોમાં 175 લોકોને આ નેઝલ વેક્સિન આપવામાં આવી. આના પહેલા પ્રી ક્લિનિકલ ટ્રાયલમાં પણ વેક્સિન સુરક્ષિત જોવા મળી એટલે કે લેબોરેટરીમાં ઉંદરો અને અન્ય જાનવરો પર એ અત્યંત સફળ રહી હતી. જાનવરો પર થયેલી ટ્રાયલ દરમિયાન આ વેક્સિનથી મોટી માત્રામાં ન્યુટ્રલાઇઝિંગ એન્ટીબોડીઝ બન્યા હતા.
 
આ વેક્સિન બાકીની વેક્સિનથી કેટલી અલગ હશે?
દેશમાં અત્યાર સુધીમાં 8 વેક્સિનને મંજૂરી મળી ચૂકી છે. આ તમામ ઈન્ટ્રામસ્ક્યુલર વેક્સિન છે એટલે કે તેમને ઈન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. જ્યારે, નેઝલ વેક્સિન એ ઈન્ટ્રાનેઝલ વેક્સિન છે. તેને હવે મંજૂરી મળી ગઈ છે અને આ દેશની પ્રથમ નેઝલ વેક્સિન છે.
 

 
નેઝલ વેક્સિન કઈ રીતે કામ કરે છે?
કોરોના વાયરસ સહિત અનેક માઈક્રોબ્સ (સૂક્ષ્મ વાયરસ) મ્યૂકોસા (ભીનો, ચિપકતો પદાર્થ જે નાક, મોઢા, ફેંફસા અને પાચનતંત્રમાં હોય છે)ની મદદથી શરીરમાં જાય છે. નેઝલ વેક્સિન સીધી મ્યૂકોસા માં જ ઈમ્યૂન રિસ્પોન્સ ઊભી કરે છે. એટલે કે નેઝલ વેક્સિન ત્યાં લડવા માટે સૈનિક ઊભા કરે છે જ્યાંથી વાયરસ શરીરમાં દાખલ થાય છે.
નેઝલ વેક્સિન તમારા શરીરમાં ઈમ્યુનોગ્લોબુલિન A(igA)પ્રોડ્યૂસ કરે છે. માનવામાં આવે છે કે igA ઈન્ફેક્શન અર્લી સ્ટેજમાં રોકવા માટે વધુ અસરકારક હોય છે. આ ઈન્ફેક્શન રોકવાની સાથે સાથે ટ્રાંસમિશનને પણ રોકે છે.
નાકની રસી કેવી રીતે લેવાય? કેટલી વાર લેવાય?
નેઝલ વેક્સિનના ચાર ટીપાં એક જ વખત નાકમાં નાખવાના રહેશે. આ જનરલ ટીપાં નથી પણ રસી છે એટલે વારેવારે નાકમાં નહીં નંખાય. પહેલીવાર પણ ડોક્ટરની સલાહ લઈને વેક્સિન વાપરવી. આનાથી ફાયદો એ થશે કે સોયવાળી વેક્સિન લેવી નહીં પડે. જેમણે બૂસ્ટર ડોઝ નથી લીધો તે ડોક્ટરને પૂછીને નેઝલ વેક્સિન લઈ શકે છે. આ વેક્સિન નાકમાં નાંખવાના ટીપાં રૂપે જ અપાશે અને તે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવશે. જો કે આ રસી વિનામુલ્યે નહીં મળે. તેની કિંમત હજુ જાહેર નથી થઈ.
નેઝલ વેક્સિનનો એક ડોઝ જ અસરકારક
હાલમાં, ભારતમાં ઉપયોગમાં લેવાતી રસીના બે ડોઝ આપવામાં આવી રહ્યા છે. રસીકરણ કરાયેલી વ્યક્તિ બીજા ડોઝના 14 દિવસ પછી સલામત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, નાકની રસી 14 દિવસમાં તેની અસર બતાવવાનું શરૂ કરે છે.
નેઝલ વેક્સિનનો એક ડોઝ કોરોનાથી રક્ષણ તો કરશે જ પણ સાથેસાથે રોગના ફેલાવાને પણ અટકાવશે. દર્દીમાં હળવા લક્ષણો પણ જોવા મળશે નહીં. વાયરસ શરીરના અન્ય ભાગોને પણ નુકસાન પહોંચાડી શકશે નહીં. આ સિંગલ ડોઝ રસી છે, જેના કારણે ટ્રેકિંગ સરળ છે. ઇન્ટ્રામસ્ક્યુલર રસીની સરખામણીમાં તેની આડઅસર પણ ઓછી છે. આનો બીજો મોટો ફાયદો એ છે કે સોય અને સિરીંજનો ઓછો કચરો થશે.

 

નેઝલ વેક્સિન બાળકો માટે ગેમચેન્જર હશે- WHO
દેશમાં હાલ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કોઈ વેક્સિન નથી અને ઘણા રાજ્યોમાં વેક્સિનની અછતના કારણે વેક્સિન જ લાગી રહી નથી. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ વૈજ્ઞાનિક ડો.સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે કોરોનાની નેઝલ વેક્સિ બાળકો માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે.

નેઝલ વેક્સિન નાક દ્વારા આપવામાં આવે છે અને ઈન્જેક્શન દ્વારા આપવામાં આવતી વેક્સિનથી વધુ અસરકારક હોય છે. નેઝલ વેક્સિન લેવામાં સરળ હોય છે. ડો.સ્વામીનાથનનું કહેવું છે કે વધુમાં વધુ સ્કૂલ ટીચરને વેક્સિન લગાવવાની જરૂરિયાત છે. સ્વામીનાથનનું માનવુ છે કે ભારતમાં બનેલી નેઝલ વેક્સિન બાળકો માટે ગેમચેન્જર બની શકે છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.